સિંગલ ઇકત (સિંગલ પટોળા તરીકે પણ જાણીતું છે.)

ગુજરાતના વિવિધ રંગી પટોળાને ઘણા લાંબા સમયની સંપત્તિ, સદ્દભાગ્ય અને સત્તાના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. ૧૫મી સદીના પૂર્વાર્ધથી ગુજરાતી વ્યાપારીઓ ઇન્ડોનેશિયાના શાસકો માટે ‘ડબલ પટોળા’ લાવતા હતા અને આ પ્રવૃત્તિ પાછળથી ૧૭મી સદીની શરૂઆતમાં ડચ વેપારીઓ દ્વારા મરી-મસાલાના વેપારમાં રાહતો મેળવવા માટે હસ્તાંતરિત કરવામાં આવી હતી. પટોળા સાથે ખાસ ક્ષમતાઓ સંકળાયેલી છે અને આજે પણ એવું વિચારવામાં આવે છે કે પટોળા પવિત્ર અથવા જાદુઇ લક્ષણો પણ ધરાવે છે.
કાપડનું વણાટકામ કરવા માટે, શાળ ઉપર ચડાવતા પહેલાં, કાંતેલા તાંતણાઓ ઉપર રંગ ચડાવીને ઇકત બનાવવામાં આવે છે કે જેથી કરીને શાળ ઉપર તાંતણાઓ જયારે એકબીજામાં ગુંથાય છે, ત્યારે એક ભાત ઉપસે છે. જેમાં ઉચ્ચ પ્રકારની ચોકસાઇ તેમજ કૌશલ્યની જરૂર પડે તેવી આ જટિલ પ્રક્રિયા છે.
સુરેન્દ્રનગરમાં વણકરો, કાંતેલા તાંતણાઓના વાણોની ગાંસડીઓ તૈયાર કરે છે. દરેક ગાંસડીને અલગ બાંધીને રંગ ચડાવવામાં આવે છે. મજબૂતાઇથી બાંધેલી ગાંસડીઓને કેટલીક વખત મીણ અથવા અન્ય દ્રવ્યોનું આવરણ ચડાવવામાં આવે છે કે જે રંગોને શોષાતા અટકાવે છે. વધારાના રંગો ચડાવવા માટે આ પ્રક્રિયાને અનેક વખત પુનરાવર્તિત કરવામાં આવે છે. આ કાપડને ભપકાદાર દેખાવ પ્રદાન કરવા માટે માણેકનો લાલ, વૃક્ષના પાંદડાનો લીલો અને કથ્થાઇ - પીળો રંગ જેવા સમૃદ્ધ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
સુરેન્દ્રનગરમાં ૧૦ ગામના ૫૫૦ વણકરોએ આ પ્રાચીન કળાને જીવંત રાખી છે. દક્ષિણ ભારતમાંથી ખાસ કરીને બેંગાલુરુથી આવેલા શેતુરના સિલ્કમાંથી પટોળાના કાપડને બનાવવામાં આવે છે. પરંપરાગત રીતે વણકરો સાડીઓ બનાવે છે પરંતુ હમણાં થોડા સમયથી લાંબા જામાઓ, દુપટ્ટાઓ, ખેસ, ગલપટ્ટાઓ, ડ્રેસ સામગ્રી તથા ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવાનું પણ ચાલુ કરેલ છે.